Thursday 27 February 2014

અચૂક વાંચજો :

ગામડામાં રહેતો એક ગોવાળ ઢોર ચારવા માટે સીમમાં ગયો. પરત આવતી વખતે રસ્તામાંથી એને એક નાનો ચળકતો પથ્થર જોયો . પથ્થર ખુબ સરસ દેખાતો હતો એટલે એણે એ પથ્થર પોતાની સાથે લીધો. ઘરે આવીને એની પત્નિને બતાવ્યો. પત્નિ તો પથ્થર જોઇને ખુશ થઇ ગઇ. ઘરે કોઇ મહેમાન આવે તો એને આ પથ્થર બતાવે.

એક દિવસ ઘરે આવેલા મહેમાને આ ચળકતો પથ્થર જોઇને કહ્યુ , " આ પથ્થર મને પણ ખુબ ગમે છે મને આપો તો હું તમને એના 1000 રૂપિયા આપું." ગોવાળે રાજી થઇને પથ્થર આપી દીધો અને ભગવાનનો આભાર માનવા લાગ્યો કે તેં મને આવો સરસ પથ્થર આપ્યો જેના 1000 રૂપિયા ઉપજ્યા.

ગોવાળના આ મિત્રએ પથ્થર એક વેપારીને બતાવ્યો. વેપારી થોડો જાણકાર હતો આથી એણે આ પથ્થર 10000 માં માંગ્યો. પેલા માણસે કોઇ વિચાર કર્યા વગર આપી જ દીધો. અને એ પણ ભગવાનનો આભાર માનવા લાગ્યો કે તમારા પ્રતાપે મને 9000 રૂપિયાનો નફો થયો.

વેપારીને ખબર હતી કે આ કોઇ સામાન્ય પથ્થર નથી આ કીંમતી હીરો છે એટલે એ ઝવેરી પાસે ગયો અને આ હીરો બતાવીને એની કીંમત પુછી. ઝવેરીએ એક લાખ રૂપિયા આપવાની તૈયારી બતાવી એટલે એણે એ હીરો ઝવેરીને વેંચી દીધો.

ઝવેરી આ હીરો લઇને ખુબ મોટા શહેરમાં હીરાના વેપારી પાસે ગયો ત્યારે હીરાના વેપારીએ એની કીંમત એક કરોડ આપી. હીરાના આ વેપારી એ સોદો કર્યા પછી વર્ષોના અનુભવી પોતાના ગુરુને હીરો બતાવીને કહ્યુ કે, " મે આ હીરો એક કરોડમાં લીધો છે. શું મે વધુ મૂલ્ય તો નથી ચુકવી દીધુ ને ? "

ગુરુએ કહ્યુ , " અરે બેટા, આ હીરો તો તે સાવ મફતમાં પડાવી લીધો છે. આ તો અમૂલ્ય છે. "

મિત્રો , ભગવાને આપણને આપેલું આ મનુષ્યનું શરીર પણ હીરા જેવું અણમોલ છે. હીરાનું મૂલ્ય કોઇએ 1000 મેળવીને જ મન મનાવી લીધુ તો કોઇએ એની કીંમત કરોડ મેળવી. આ શરીર પાસેથી પણ આપ ધારો એવું મૂલ્ય મેળવી શકો છો. આપ સામાન્ય માણસ બનીને જ બેસી રહેવા માંગો છો કે અસામાન્ય માનવી બનવાના પંથે આગળ વધવું છે એ આપના હાથમાં જ છે.

No comments:

Post a Comment