Gazal

વિચારી જો…!

વળી તારા તરફ, એ ત્રણ વિચારી જો !
વળી તારા તરફ, એ ત્રણ વિચારી જો !

તને દરિયો ગમે કે રણ, વિચારી જો
અને કાં બેય વચ્ચે, પણ વિચારી જો !
બદલશે ધારણા સીધી તફાવતમાં
તરસનાં મૂળ, ‘ને કારણ વિચારી જો
બધા સંબંધ પાછળ કંઇક હોવાનું
હકીકત જાણવા, જણ-જણ વિચારી જો
અધૂરા પર્વ જેવા સ્વપ્ન વચ્ચેથી
ઉજવણું થાય એવી ક્ષણ વિચારી જો
સરળ છે અંગૂલીનિર્દેશ બીજા પર
વળી તારા તરફ, એ ત્રણ વિચારી જો !
પછી નહીં માર મેણું કોઇ ઈશ્વરને
મળે છે રોજ, એ ચાવણ વિચારી જો
સતત વૈશાખ વેઠ્યો જેમણે કાયમ
જરા, એ આંખનાં શ્રાવણ વિચારી જો !


કેમ લાગે છે…!

વિખૂટા સાવ સૂકા ઝાડ જેવું કેમ લાગે છે...!
વિખૂટા સાવ સૂકા ઝાડ જેવું કેમ લાગે છે…!

ધરમ કરતાં પડેલી ધાડ જેવું કેમ લાગે છે
મને અંગતપણામાં, આડ જેવું કેમ લાગે છે !
ગળે બાંધી ફરૂં છું લાગણીનાં કૈંક ટહુકા,પણ
હ્રદયનાં એક ખૂણે રાડ જેવું કેમ લાગે છે
મળે છે આજ લોકો, એમ ઘરનાં પણ નથી મળતા
ચણાતી આડકતરી વાડ જેવું કેમ લાગે છે !
ઘરોબો હોય ઘર જેવો છતાં સંબંધ તૂટે તો
કપાતી ઓળખીતી નાડ જેવું કેમ લાગે છે
નથી સ્વીકારતા સામર્થ્ય, એ બિરદાવવા આવ્યા
મને એમાં પરાણે પાડ જેવું કેમ લાગે છે !
પ્રસંગે પારકાની જેમ વર્તે કોઇ ઘરનાં, તો
વકરતી હો જૂની તીરાડ જેવું કેમ લાગે છે
ઉઘાડું, સ્પષ્ટ, લીલુંછમ્મ છે અસ્તિત્વ મારૂં,પણ
વિખૂટા સાવ સૂકા ઝાડ જેવું કેમ લાગે છે !



કૈં રમત વાત છે…!

ઉઘડવું પડે દ્રષ્ટિ-મન,બેયથી...
ઉઘડવું પડે દ્રષ્ટિ-મન,બેયથી…

શબદ સાધવો કૈં રમત વાત છે
મરમ જાણવો કૈં રમત વાત છે !
અરે ! જન્મ સાતેય ઓછાં પડે
પરમ પામવો કૈં રમત વાત છે
ઉઘડવું પડે દ્રષ્ટિ-મન બેયથી
અલખ ભાળવો કૈં રમત વાત છે
થશે તો, થશે ભાગ સરખા બધા
ફરક રાખવો કૈં રમત વાત છે !
ઉહાપોહ  ‘ને સનસનાટી વગર
મનખ માણવો કૈં રમત વાત છે !
કમિટમેન્ટ એફર્ટમાં જોઇએ
અહમ નાથવો કૈં રમત વાત છે !
ગળાવું પડે કૈંક ગરણે “મહેશ”
કસબ આગવો, કૈં રમત વાત છે !


ભોગવે છે સહુ…!


સમયનું ફેરવેલું ભોગવે છે સહુ...!
સમયનું ફેરવેલું ભોગવે છે સહુ…!

હિસાબે નીકળેલું ભોગવે છે સહુ
કરમનું કાલવેલું ભોગવે છે સહુ
જુદારાગ્રસ્ત ખુલ્લા ભેળિયારામાં
પરાણે ભેળવેલું ભોગવે છે સહુ
દશા કોની રહી છે એકસરખી અહીં
સમયનું ફેરવેલું ભોગવે છે સહુ
જનમજન્માંતરોથી ચાલતું આવ્યું
ચલણ, નક્કી કરેલું ભોગવે છે સહુ
અનિશ્ચિત ટેકણો પર ટેકવી ખુદને
વજૂદ પણ, ટેકવેલું ભોગવે છે સહુ !
ચળકતા કૈંક જોયા પારકા તેજે
બધું ક્યાં મેળવેલું ભોગવે છે સહુ !
અમસ્તું તો ભળે નહીં ઝેર ઈર્ષાનું
નજરનું ભેળવેલું ભોગવે છે સહુ

મન ખોલતાં શીખ્યા…

અમે તો અશ્રુઓમાંથી ગઝલ ફંફોળતા શીખ્યા....
અમે તો અશ્રુઓમાંથી ગઝલ ફંફોળતા શીખ્યા….

અમે સંબંધ સાથે લાગણીને જોડતા શીખ્યા
પ્રથમ ખુદને મઠારી,અન્યને ઢંઢોળતા શીખ્યા
હજારોવાર જોયું છે અમે,અમને ઉઘાડીને
હતું જે કામનું-રાખી,નકામું છોડતા શીખ્યા
તમે હરખાવ છો ખામી બધી ખૂબી ગણાવીને
અમે ખામી અમારી ખૂબીઓમાં શોધતા શીખ્યા
નરો વા કુંજરો વા – નું વલણ રાખ્યું તમે કાયમ
અને એવું વલણ કાયમ અમે અવખોડતા શીખ્યા
ગણતરીપૂર્ણ રાખો છો તમે વહેવાર,રાખો તો
અમે વહેવારને વહેવારપૂર્વક તોલતા શીખ્યા
નથી મોટું સમયથી કંઇ, સમજણ એજ છે સાચી
અમે તો વારસાગત એ સમજ લઇ બોલતા શીખ્યા
જરૂરત શીખવે એથી વધારે કોઇ શીખવે નહીં
ક્રમાંકો દઇ, જરૂરતને અમે સંતોષતા શીખ્યા
તમારા અશ્રુમાં કલ્પાંત કરતા સ્વાર્થ બમણો છે
અમે તો અશ્રુઓમાંથી ગઝલ ફંફોળતા શીખ્યા
તફાવત એજ છે મોટો અમારા ‘ને તમારામાં
તમે અકબંધ રહી જીવ્યા અમે મન ખોલતા શીખ્યા


વાતો ના કર…!

તારી ફરતે ગુંથ્યું છે તેં "હું" નું જાળું....
તારી ફરતે ગુંથ્યું છે તેં “હું” નું જાળું….

લગભગ અથવા જેવી ઠાલી વાતો ના કર
અધકચરી, ‘ને આંટીઆળી વાતો ના કર !
ભીતર-ભીતર વાગી રહી છે તાળી સાંભળ
ઉપરછલ્લી, કર્કશ તારી વાતો ના કર !
આખું એ આખું ‘ને અડધું એ અડધું, બસ
તું એમાં ક્યાં છે જો, બાકી વાતો ના કર !
તારી ફરતે ગુંથ્યું છે તેં “હું” નું જાળું
અમથે-અમથી દસમાથાળી વાતો ના કર !
ઢળતા ઢાળે ઢાળે છે તું કાયમ ખુદને
ખામીને, ખૂબીમાં ઢાળી વાતો ના કર !
તારૂં મારૂં સહિયારૂં ‘ને મારૂં, મારૂં
દાનત એવી ખોરી રાખી વાતો ના કર
સહુની પાસે પોતીકો ઝળહળ દીવો છે
આંખો મીંચી, અંધારાની વાતો ના કર !!


ઓળખે છે…

કોડિયાનાં તળ તમસને ઓળખે છે...!
કોડિયાનાં તળ તમસને ઓળખે છે…!

કોડિયાનાં તળ તમસને ઓળખે છે
હોય દીવા, એજ ઘરને ઓળખે છે !
વાટનું અસ્તિત્વ ઓગાળે સ્વયંને
એ બહાને, એ સમયને ઓળખે છે
નીતરે પ્રત્યેક ખૂણો તરબતર થઇ
વ્યસ્ત અજવાળું, અસરને ઓળખે છે !
ઓળખીતાં થઇ ગયેલાં દ્વાર બન્ને
ટેવવશ, આવાગમનને ઓળખે છે
હા અને છણકે ચડેલી ના અમસ્તી
બેય, પરસ્પરની તરસને ઓળખે છે !
ઓળખે છે ભૂખ કેવળ ભૂખલાંને
દૂઝણી તૃષ્ણા, પરબને ઓળખે છે
પાંખ ફૂટી હોય એવી લાગણી તો
માત્ર, એની માવજતને ઓળખે છે
કંઇ નથી રહેતું અછાનું કે અછૂતું
સ્પર્શ, હુંફાળા હવનને ઓળખે છે !
હર કસબને હોય છે એની મહત્તા
પણ, જગત તો કારગતને ઓળખે છે !!



પ્રશ્નાર્થ ઊભા કર્યા…

દ્રાક્ષ તો એને જ ખાટી લાગવાની "મહેશ".......
દ્રાક્ષ તો એને જ ખાટી લાગવાની “મહેશ”…….

ક્યાંક રસ્તાએ નવા પ્રશ્નાર્થ ઊભા કર્યા
કયાંક પગલાએ નવા પ્રશ્નાર્થ ઊભા કર્યા
કોઇવેળા સાવ સીધીવાત કારણ બની
ક્યાંક અથવાએ નવા પ્રશ્નાર્થ ઊભા કર્યા
બહુ મથીને માંડ સાક્ષરતા ઠરીઠામ થઇ
તો, પ્રખરતાએ નવા પ્રશ્નાર્થ ઊભા કર્યા !
ક્યાંક આખા પાત્રનાં મોંફાટ ઉભરા નડ્યા
ક્યાંક અડધાએ નવા પ્રશ્નાર્થ ઊભા કર્યા !
વાદ કરતાં તો વિવાદે ઘોર ખોદી, અને
ક્યાંક જડતાએ નવા પ્રશ્નાર્થ ઊભા કર્યા
ભેળિયારો ખુદ બન્યો નિમિત્ત ક્યારેક, તો
કયાંક અતડાએ નવા પ્રશ્નાર્થ ઊભા કર્યા
દ્રાક્ષ તો એને જ ખાટી લાગવાની “મહેશ”
જેની ક્ષમતાએ નવા પ્રશ્નાર્થ ઊભા કર્યા !!

ડૉ.મહેશ રાવલ
મિત્રો,
૨૨ સપ્ટે. ૨૦૧૩ના રોજ હ્યુસ્ટન ગુજરાતી સાહિત્ય સરિતા દ્વારા આયોજીત,
પ્રથમ વૈશ્વિક વૅબ મહેફિલમાં, મેં રજૂ કરેલી ગઝલ.

વાતમાં ને વાતમાં…

શુષ્ક વાદળ ફરફરે છે આભમાં ને આભમાં...
શુષ્ક વાદળ ફરફરે છે આભમાં ને આભમાં…

વાત છે, વણસી શકે છે વાતમાં ને વાતમાં
પાછલાં કિસ્સા ઉખડશે ખારમાં ને ખારમાં
છે બટકણાં શ્વાસની કાંધે ઊભું હોવાપણું
ભાર ખડકાતાં રહે  છે, ભારમાં ને ભારમાં
તત્વ, જેને જીવ નામે ઓળખે છે માળખું
ચેતના પૂર્યા કરે છે રાખમાં ને રાખમાં
જોડવા મથતી રહે છે લાગણી સંબંધને
વળ ચડે વળ ઊતરે બસ, ગાંઠમાં ને ગાંઠમાં
હેતુપૂર્વક થાય ઘર્ષણ એ સતત ચાલ્યાં કરે
ધાર નીકળતી જવાની, ધારમાં ને ધારમાં
ક્યાં કનકવાથી વધારે આપણું હોવું ય છે
વા ફરે બસ એમ ફરવું તાણમાં ને તાણમાં !
એકવેળા, ભાગમાંથી ભાગ નોંખો થાય તો
ભાગલા પડતાં જવાનાં ભાગમાં ને ભાગમાં
હેસિયત જોયા વગર જોયા કરે છે સ્વપ્ન જે
એ, પછી જીવ્યા કરે છે આશમાં ને આશમાં
જળસભર જે હોય એ વરસાદ થઇ વરસી પડે 
શુષ્ક વાદળ ફરફરે છે, આભમાં ને આભમાં !
Nilesh Thakor (Charadu)
ફુલને, ઝાકળ બની ધોયા કરે એ હું નહીં !
ફુલને, ઝાકળ બની ધોયા કરે એ હું નહીં !

માત્ર ઊગતા સૂર્યનો પહેરો ભરે,એ હું નહીં
ફુલને, ઝાકળ બની ધોયા કરે એ હું નહીં !
જે મળી જેવી મળી પ્રત્યેક ક્ષણ માણ્યાવગર
આવતી ક્ષણનાં વિચારે, થરથરે એ હું નહીં
હસ્તગત છે એજ મારૂં છે,ખબર હોવા છતાં
બાદ-વત્તાની રમત રમતાં ફરે, એ હું નહીં
એ અલગ છે કે નથી એકેય દીવો કાયમી
પણ, અમસ્તી ફૂંકથી પણ જે ઠરે એ હું નહીં
છે જરૂરી, એટલું પર્યાપ્ત છે મારી કને
પારકા તેજે જ કાયમ ઊછરે એ હું નહીં
ઓળખીતાં હોય એનાં હર કસબ અદકા ગણી
‘ને અજાણ્યાની ખૂબીને ખોતરે, એ હું નહીં !
સત્યની કડવાશ પીને ઊછર્યો છું હરપળે
વાસ્તવિક્તાથી ડરી, ફફડી મરે એ હું નહીં

No comments:

Post a Comment